પંચમહાલની શાળાઓમાં ભરતી અંગે ગોધરામાં રેલી.


પંચમહાલની શાળાઓમાં શિક્ષક, કલાર્ક સહિત મહત્વની ખાલી પડેલી જગ્યા લાંબા સમયથી નહીં ભરાતા બાળકોનું શિક્ષણ કથળી રહ્યું છે. જેના કારણે જિલ્લા શાળા સંચાલક મંડળ, સંકલન સમિતિ દ્વારા તા.૪-૫ના રોજ ગોધરા ખાતે રેલીનુ ંઆયોજન કરવામાં આવ્યું છે.
અચ્છે દિનની રાહ જોતા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના પૂરેપૂરા બૂરે દિન આવી ગયા છે. છેલ્લા પાંચ વર્ષથી આ શાળાઓમાં કોઇ જ ભરતી થઇ નથી. તેથી બાળકોનું શિક્ષણ કથળી રહ્યું છે. રાજ્યના કુલ ૬૧૯ ગ્રાન્ટેડ શાળાઓમાં એકપણ કલાર્ક નથી. ઘણી બધી શાળાઓમાં એકપણ પટાવાળો નથી. ઘણી બધી શાળાઓમાં ૫૦થી ૬૦ ટકા શિક્ષકો જગ્યાઓ ખાલી છે. રાજ્ય સંચાલક મંડળના વારંવારની રજૂઆતો પછી જે શાળાઓમાં એકપણ કલાર્ક યા પટાવાળો નથી તે જગ્યાઓ ભરવા માટે ગાંધીનગરથી પરિપત્ર થયો હોવા છતાં જિલ્લાની કચેરાીનું પેટનુ પાણી પણ હાલતુ નથી. તેઓ અંધારામાં અટવાયા કરે છે. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના તમામ સંવર્ગોની બનેલા સંકલન સમિતિએ સરકારના નિષ્ક્રિયતા સામે જોરદાર લડત આપવાનું નક્કી કરે છે. તદાનુસાર ઉન્નતી વિદ્યાલય ગોધરા ખાતે જિલ્લા સંચાલક મંડળના અધ્યક્ષ વિનોદભાઇ શાહ અને સંકલન સમિતિના અધ્યક્ષ પીડી સોલંકીના ઉપસ્થિતિમાં મળેલી તમામ ઘટક સંઘોના પદાધિકારીઓના મિટંગમાં સર્વાનમતે નક્કી થયા મુજબ તા.૪-૫-૧૫ને સોમવારે સવારે ૯-૩૦ કલાકે જિલ્લાના તમામ શિક્ષકો, આચાર્યો અને વહીવટી કર્મચારીઓ ઉન્નતી વિદ્યાલય ગોધરા ખાતે ભેગા મળશે ત્યાં રેલી કાઢી જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપશે અને પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરશે. આ અંગે જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓ પરિપત્ર પાઠવી દેવામાં આવ્યો છે.