જાણવાજેવું

મૌર્ય કાળની કલા


મોર્ય કાળ દરમ્યાન બૌદ્ધ ધર્મમાં સ્તૂપો, વિહારો અને અન્ય પ્રકારની ધાર્મિક સ્થાપત્ય કલા જોવા મળેછે
                                                           

'સ્તૂપ'
ભગવાન બુદ્ધના શરીરના વિવિધ અવશેષો - વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરેને દાબડામાં મૂકી તેના ઉપર પથ્થર કે ઇંટોનું અંડાકારનું ચણતર કરવામાં આવતું તેને 'સ્તૂપ' કહે છે. 10 જેટલા સ્તૂપો મૌર્ય કાળ પહેલા નિર્માણ પામ્યા હતા. ઉત્તર પ્રદેશના બસ્તી જીલ્લાનાં પીપરાવા  ગામમાંથી અને બિહારના ચંપારણ જીલ્લાના લોરિયા ગામમાંથી ઈ.સ.1905માં મળી આવેલા સ્તૂપો મૌર્ય કાળ પહેલાના છે. તેમજ ગુજરાતમાં દેવની મોરી , બોરિયા સ્તૂપ અને ઇટવા સ્તૂપ એ ત્રણ સ્તૂપો મળી આવેલ. 
 સાંચીનો સ્તૂપ મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો અને હાલના સ્તૂપ કરતા અડધો હતો. સાંચી ભારત ના મધ્ય પ્રદેશ રાજ્ય ના રાયસેન જિલ્લામાં સ્થિત એક નાનકડું ગામ છે. સાંચીનો મહાન મુખ્ય સ્તૂપ, મૂળતઃ સમ્રાટ અશોક મહાન એ ત્રીજી સદી ઈ.પૂ. માં બનાવડાવ્યો હતો. આના કેન્દ્રમાં એક અર્ધગોળાકાર ઈંટ નિર્મિત ઢાંચો હતો, જેમાં ભગવાન બુદ્ધ ના અમુક અવશેષ રાખ્યાં હતાં આના શિખર પર સ્મારક ને દેવાયેલ ઊંચ્ચ સન્માન ના પ્રતીક રૂપી એક છત્ર હતું     
                                                             
 સ્તૂપના રેખાચિત્રની માહિતી
હર્મિકા  _ સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારેબાજુએ આવેલી રેલિંગ (વાડ)ને હર્મિકા કહે છે

મેધી  _ સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને 'મેધિ ' કહે છે.તેનો ઉપયોગ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા માટે કરવામાં આવેછે

પ્રદક્ષિણા પથ  _ મંદિર કે પૂજાના સ્થળની ચારેબાજુ એ આવેલ ગોળાકાર રસ્તાને 'પ્રદક્ષિણા પથ' કહે છે. હંમેશા  પવિત્ર સ્થળ જમણી બાજુ એ રહે તે રીતે એ સ્થળની પ્રદક્ષિણા કરવામાં આવેછે

તોરણ _ તોરણ એટલે પ્રવેશદ્વાર, તેના બે ઊંચા સ્તંભો આવેલા હોય છે. તેની ઉપરના ભાગમાં આડા કલાત્મક આકારે બીમ આવેલા હોય છે. તોરણ ની અંદર થઈને પ્રવેશ કરી શકાય છે.

 સારનાથ કાશીથી સાત માઇલ પૂર્વોત્તર દિશામાં સ્થિત બૌદ્ધ ધર્મના લોકોનું પ્રાચીન તીર્થ છે. જ્ઞાન પ્રાપ્તિ કર્યા પશ્ચાત ભગવાન બુદ્ધ એ પોતાનો પ્રથમ ઉપદેશ અહીં જ આપ્યો હતો.અહી ધર્મરાજીકા સ્તૂપ આવેલો છે.  જયપુર પાસે અને લોરિયા પાસેના નંદનગઢનો સ્તૂપ પણ સુપ્રસિદ્ધ છે.

મોહેં-જો-દડો નગર આયોજન

    હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવેલાં નગરોમાં મોહેં-જો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. અહીંનાં મકાનોને પૂર  તથા ભેજથી બચાવવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં. શ્રીમંત લોકોનાં મકાનો બે માળનાં અને પાંચથી સાત ઓરડાવાળાં હતાં, જ્યારે નીચલા વર્ગના લોકોનાં મકાનો એક માળનાં અને બેથી ત્રણ ઓરડાવાળાં હતાં. મકાનોના દરવાજા મુખ્ય રસ્તાઓ ઉપર પડવાને બદલે (ગલીમાં) પડતા હતા. ઊંચાણવાળા ભાગની ફરતે કિલ્લો અને સમગ્ર નગરની ફરતે દીવાલની રચના કરવામાં આવી હતી.

 

રસ્તાઓ 

મોહેં-જો-દડો નગરના રસ્તાઓ 9.75 મીટર જેટલા  પહોળા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને  કાટખૂણે મળતા હતા. પરિણામે સમગ્ર નગરના  ચોરસ અને લંબચોરસ  એવા ખંડ પડતા હતા. આ  રસ્તાઓ એવી રીતે બાંધેલા હતા કે પવન ફૂંકાતાં  તેના પર વેરાયેલો કચરો સાફ થઇ જતો. રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એકસમાન ખાડા  રાત્રિપ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું  મનાયછે. ખરેખર, મોહેં-જો-દડોના રસ્તાઓ
આધુનિક  ઢબના અને સુવિધાવાળા હતા.

 

ગટર યોજના  


વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાં ક્યાંય  જોવા ન મળે તેવી ગટર યોજના એ મોહેં-જો-દડોની આગવી વિશેષતા હતી. મકાનો નું પાણી રસ્તાની નીચેની પાકી ગટરમાં જતું, ત્યાંથી મુખ્ય ગટર વાતે શહેરની બહાર વહી જતું દરેક મકાનમાં ખાળકુવો હતો અને ચોક્કસ સપાટી એ અમુક હદે પાણી ભરાય તો તે આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું - આ પ્રકારની ગટર યોજના ભૂમધ્ય સમુદ્રના ક્રિટ ટાપુ સિવાય બીજે ક્યાય જોવા મળતી નથી.

જાહેર સ્નાનાગાર 

         મોહેં-જો-દડોમાંથી એક વિશાળ સ્નાનાગાર પણ મળી આવ્યું છે તેની લંબાઈ 54.80 મીટર, પહોળાઈ 32.90 મીટર છે. વચ્ચે આવેલ સ્નાનકુંડની લંબાઈ 12.10 મીટર, પહોળાઈ 7 મીટર અને ઊંડાઈ 2.42 મીટર ની છે. સ્નાનકુંડની ચારે બાજુ કપડા બદલવા માટેની ઓરડીઓ પણ હતી.

 

જાહેર મકાનો 

મોહેં-જો-દડોમાંથી જાહેર ઉપયોગમાં આવી શકે તેવા બે મકાનો પણ મળી આવ્યા છે. જેનો ઉપયોગ સભાખંડ, મનોરંજન ખંડ, વહીવટ કે રાજ્ય ના કોઠાર તરીકે થતો હશે. 20 મકાનોની એક હરોળ કે જે સૈનિકોની બેરેક હશે તે પણ મળી આવેલ છે.
શિલ્પ સ્થાપત્ય, કલા  તથા નગર આયોજનના આ બધા નમુના ભારતવર્ષની હજારો વર્ષ પુરાણી કલાસાધનાના મૂક સાક્ષીઓ છે. જે ગુજરાત માં લોથલમાં જોવા મળે છે.

પ્રાચીન ભારતનું નગર આયોજન (ધોળાવીરા )

 ભારત પ્રાચીનકાળથી નગર આયોજન
ક્ષેત્રે નિપુણતા ધરાવતું આવ્યું છે. જેનાં
સર્વોત્તમ દ્રષ્ટાંત તરીકે ગુજરાતના કચ્છ
જીલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં
આવેલ ધોળાવીરાને ગણાવી શકીએ.
પુરાતત્વીય ઉત્ખનન કરતા આ વિશાળ
નગર પ્રકાશમાં આવ્યું છે.
આ નગરના મુખ્ય ત્રણ વિભાગો પડે છે.

1. શાસક અધિકારીઓનો ગઢ  ( સિટાડેલ ) - શાસક અધિકારીઓનો ગઢ એટલે કે દરબાર ગઢ ઊંચાઈ ઉપર આવેલ છે. તે ચારે તરફ મજબૂત દીવાલોથી સુરક્ષિત છે. તેના મુખ્ય ચાર દરવાજા છે.
 2. ઉપલું નગર(અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર) - ઉપલા નગરને પણ રક્ષણાત્મક દીવાલો છે. અહી બે થી પાંચ ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે.
3. નીચલું નગર(સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલુંનગર) - નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઇંટોના બનાવેલા છે. આ ઉપરાંત અહીંથી મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે.  જ્યાંથી વીંધેલા મોતી અને મણકાઓ મળી આવ્યા છે. તેમજ તાંબુ ગાળવાની ભઠ્ઠી, વિવિધ ઓજારો બનાવવાના ઉપકરણો શંખ તથા ધાતુની બંગડીઓ, વિવિધ પ્રકારના મણકા , વીંટીઓ, સોનાના ઘરેણાના અવશેષો મળી આવ્યા છે.

ભારતનો સંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

ભારતભૂમિ તેની વિવિધ કલાઓ માટે વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે. આ વિવિધ કલાઓમાં ચિત્ર, નૃત્ય, સંગીત, શિલ્પ, સ્થાપત્ય વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય શિલ્પ-સ્થાપત્ય કલાનો અનોખો અને લાંબો ઐતિહાસિક વરસો છે. ભારત એક અધ્યાત્મપ્રધાન દેશ છે, તેથી ભારતીયકલામા પ્રત્યેક શિલ્પ, સ્થાપત્ય, નૃત્ય અને સંગીતનો ઉદ્ભવ ધર્મ આધારિત જણાય છે.      
 
સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે 'વાસ્તુ' શબ્દ વપરાય છે. વાસ્તુનો સીધો સંબંધ નિવાસ સાથે રહેલો છે. સ્થાપત્ય કલા એટલે ભવનો અને ઈમારતો બાંધવાની કલા. 'સ્થાપત્ય કલા માં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે' પૂર્વ આયોજન કરી તદનુસાર રેતી, માટી, ચૂનો, ઇંટો, પથ્થર, સિમેન્ટ વગેરેની મદદથી કોઈ પણ ઈમારત, સ્મારક, સ્તંભ, આવાસ-નિવાસ વગેરેની રચના એટલે ' સ્થાપત્યકલા '
   

 શિલ્પકલા પણ સ્થાપત્યકળા જેટલી જ વૈવિધ્યસભર છે પાષાણમાં કોતરણી કરીને વિવિધ આકારો અને ડીજાઈનો બનાવવાની કલા છીણી અને હથોડી જેવા તેનાં ઉપકરણોની મદદથી આકાર ધારણ કરે છે.  શિલ્પીના મનમાં જે ભાવો જાગે તેને કંડારવાની કલા એટલે શિલ્પકલા.