રાજ્ય સરકારના કર્મચારીઓની વય મર્યાદા 60 કરવા વિચારણા.


ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા તાજેતરમાં ગાંધીનગર ખાતે રાજ્ય સંઘના પ્રમુખ ચંદુભાઇ જોષીના પ્રમુખ પદે મળી હતી.  સંકલન સભામાં રાજ્યના તમામ જિલ્લાના પ્રમુખો, મહામંત્રીઓ અને રાજ્યસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાંથી રાજ્યસંઘના સંગઠન મંત્રી હરિસિંહ જાડેજા અને સેવંતીલાલ પરમાર જોડાયા હતા. રાજ્યના પ્રા શિક્ષકોના વણઉકેલ્યા પ્રશ્નોની વિચારણા કરવામાં આવી હતી. તેમજ સરકાર તરફથી ઉકેલાયેલા પ્રશ્નોની પણ માહિતી આપવામાં આવી હતી.  સંકલન સભામાં રાજ્ય સંઘના સંગઠનમંત્રી હરિસિંહ જાડેજાએ એપ્રિલ માસના પગારની ગ્રાન્ટ સત્વરે ફાળવવા, કાટમાળ કૌભાંડમાં સપડાયેલા શિક્ષકોના કેસો પરત ખેંચવાનો ઠરાવ સત્વરે બહાર પાડવા, કચ્છના બાલગુરુનો પ્રશ્ન હલ કરવા, કોમ્પ્યુટરની સીસીસીના પરીક્ષાની મુદતમાં વધારો કરવા, સીસીસીની મુદતમાં પપના બદલે 50 વર્ષ કરાયા છે તેનો ઠરાવ બહાર પાડવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હોવાનું જિલ્લાના પ્રમુખ રામસંગજી જાડેજા અને મહામંત્રી દિનેશભાઇ શાહે જણાવ્યું હતું.  રાજ્યના કર્મચારીઓની નિવૃત્તિવય વધારીને 58માંથી 60 વર્ષની કરવા, વિદ્યાસહાયકોને પાંચના બદલે ત્રણ વર્ષે પૂરા પગારમાં સમાવવાની માગણી વિચારણા હેઠળ છે. મેડિકલ એલાઉન્સમાં વધારો કરવા, છઠ્ઠા પગાર પંચનો સંપૂર્ણ અમલ કરવા, કેન્દ્ર પ્રમાણે તમામ લાભો આપવા વગેરે પ્રશ્નોની પણ સંકલન સમિતિએ રજૂઆત કરી છે એમ જણાવી કચ્છના કાટમાળ કૌભાંડમાં સપડાયેલા શિક્ષકોના કેસો પાછા ખેંચવાનીn રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જે જાહેરાત કરી છે તેને આવકારી, મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવ્યો હતો.