કચ્છમાં પ્રા. શિક્ષકોના વિકલ્પ કેમ્પમાં નિયમો કૂદાવાયા

ભુજ  : તાજેતરમાં અહીં ઉચ્ચ પ્રાથમિક વિભાગના વિકલ્પ કેમ્પમાં નિયમોનો છેદ ઊડાડીને સ્થળ પસંદગીનો લાભ અપાયાના આક્ષેપ ઊઠયા છે. શિક્ષણ સાથે સંકળાયેલા વર્તુળોએ ઉમેર્યું હતું કે, ફરજિયાત મફત શિક્ષણના અમલના કાયદાના પગલે નિમ્ન અને ઉચ્ચ એમ બે વિભાગો પડયા છે, તે પૈકી ઉચ્ચ વિભાગમાં સ્નાતક શિક્ષકોની જોગવાઇ કરાઇ છે. નિમ્ન વિભાગમાં ઘણા શિક્ષકો એવા હતા કે જે અપર પ્રાયમરીની લાયકાત ધરાવતા હતા. આવા શિક્ષકોને વિકલ્પની એક તક આપી ઉચ્ચ વિભાગમાં સમાવવા બાબતે સંગઠને અગાઉ રજૂઆત કરી હતી. આનાં પગલે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે એપ્રિલ મહિને વિકલ્પ કેમ્પ યોજવામાં આવે છે. અગાઉ વર્ષ 2012 અને 2014માં જે શિક્ષકોએ વિકલ્પ ફોર્મ ભર્યું હોય અને તાલુકામાં અપર પ્રાયમરી વિભાગમાં જે તે વિષયની ખાલી જગ્યા હોય, છતાં ઉચ્ચમાં અસહમતી દર્શાવેલી હોય અથવા કેમ્પમાં ગેરહાજર રહ્યા હોય તે શિક્ષકો બીજી વખત ભાગ લઇ શકે નહીં કે દાવો પણ કરી શકે નહીં. વળી તેમનો હક્ક પણ કાયમીપણે જતો રહે. આ બાબતની જિલ્લા અને તાલુકાએ ખરાઇ કરવાની હોય છે પણ આ વખતે આવા કેમ્પમાં નિયમોનો છેદ ઊડયો છે. એવો આક્ષેપ થયો હતો કે, અગાઉના કેમ્પમાં હાજર રહેલા કે વિકલ્પ ન સ્વીકારનાર શિક્ષકો કે જાણીજોઇને કેમ્પમાં ગેરહાજર રહેલા અમુકોને સ્થળ પસંદગીનો લાભ અપાયો હતો. ખરેખર વિકલ્પ કેમ્પ કોઇ માગણી બદલી કેમ્પ નથી.  બીજી તરફ ચાલુ ફરજ દરમ્યાન કોઇ શિક્ષક એક્સ્ટર્નલ પરીક્ષા આપવા ઇચ્છે તો તેની પૂર્વ મંજૂરી લેવાની હોય છે પણ ઘણાએ પૂર્વ મંજૂરી વિના  પરીક્ષા આપી દઇને વિકલ્પો મેળવી લીધા હોવાની શંકા સેવાઇ રહી છે. આ વિકલ્પ કેમ્પના કેસોની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું  પાણી થઇ રહે. દરમ્યાન, આ અંગે પ્રા. શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીનો ટેલિફોનિક સંપર્ક સાધતાં તેમના મોબાઇલ નંબર પર આશ્ચર્ય વચ્ચે નંબર મોજૂદ નહીં હૈ જેવી કેસેટ સંભળાતી હતી. અન્ય નંબર ઉપલબ્ધ ન હોવાનું જણાવાતાં  સત્તાવાર પ્રતિભાવ જાણી શકાયો ન હતો.