કચ્છની 48 શાળામાં 8મું ધોરણ ...




 કચ્છના પ્રાથમિક શિક્ષણ જગતમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો માટે આનંદના સમાચારમાં જિલ્લાની 48 શાળામાં નવા શિક્ષણ સત્રથી આઠમું ધોરણ ભણાવવાની શરૂઆત થશે. આ મહત્ત્વના નિર્ણયના પગલે ઘરઆંગણે સુવિધા મળતાં દુર્ગમ ગામોના વિદ્યાર્થીઓને આઠમા ધોરણના અભ્યાસ માટે ગામ છોડીને જવું પડશે નહીં. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણ સમિતિની તાજેતરમાં મળેલી બેઠકમાં લેવાયેલા આ સીમાચિહ્નરૂપ નિર્ણય મુજબ જિલ્લાની 48 શાળામાં જૂન-2015થી બાળકો આઠમું ધોરણ ભણી શકશે. આ અંગે વિગતવાર માહિતી પર નજર કરતાં ભુજ તાલુકાના 10 ગામોની શાળાઓ, મુંદરા તાલુકામાં આઠ, અંજાર તાલુકામાં 4, ગાંધીધામમાં ત્રણ, ભચાઉ તાલુકામાં બે, રાપર તાલુકામાં ચાર, નખત્રાણા તાલુકામાં બે મળીને 48 પ્રાથમિક શાળાઓમાં વેકેશન ઉઘડતાં નવા સત્રથી ધો. 8 ભણાવાશે. નવું સત્ર શરૂ થવાને હવે માત્ર દોઢ માસ જેટલો સમય છે ત્યારે જિલ્લાની એક-બે નહીં પણ 48 શાળામાં ધો. 8 ભણાવનારા શિક્ષકો સંદર્ભે સવાલ પૂછતાં પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સોલંકીએ કહ્યું હતું કે, ટેટની પરીક્ષા બાદ સત્વરે ભરતી કરી દેવાશે. આગામી 11થી 19 જૂન દરમ્યાન ધો. 6થી 8 ભણાવવાની વિશેષ લાયકાતરૂપે ટેટની પરીક્ષા લેવાશે, જેનું પરિણામ આવી ગયા બાદ સમગ્ર ગુજરાતમાં બે હજાર શિક્ષકોની ભરતી થનારી છે તેવું તેમણે ઉમેર્યું હતું. કચ્છ માટે કેટલા શિક્ષકો વધારાનું આઠમું ધોરણ ભણાવવા માટે મુકાશે તેવું પૂછતાં શ્રી સોલંકીએ જણાવ્યું હતું કે, એક શાળા માટે ત્રણના હિસાબે 48 શાળાઓ માટે 144 શિક્ષકોની માગણી કરાઇ છે.