વેકેશન
પડી ગયું છે પણ શિક્ષકોનું હજી બાકી છે. લાંબી રજા શરૃ થતા પૂર્વે
શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવશે. દર વર્ષે શિક્ષકોને તંત્ર દ્વારા તાલીમ
આપવામાં આવે છે પણ પેંધા થઈ ગયેલા શિક્ષકો આવી તાલીમને મન પર લેતા નથી હોતા
અને રીતસરની ગાપચી મારતા હોય છે. આવા તત્ત્વોને અંકુશમાં લાવવાના ઈરાદે
સરકારે આ વખતે એવો આદેશ જારી કર્યો છે કે જે સ્થળે સી.સી.ટી.વી.ના કેમેરા
લાગેલા હોય ત્યાં જ શિક્ષકોને તાલીમ આપવી. આ ઓર્ડરને કારણે ગાપચી મારનારા
શિક્ષકો મૂંઝાઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
શિક્ષક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જ્યારે જ્યારે શિક્ષકોની તાલીમ યોજાતી
હોય છે ત્યારે તાલીમ સત્રના સમય દરમિયાન પેશાબ-પાણીના નામે કે પછી અવનવા
બહાના કાઢીને તાલીમાર્થી શિક્ષકો છટકી જતા હોય છે અને શિક્ષકોને અપગ્રેડ
કરવા માટેનો તંત્રનો રૃપિયા ખર્ચીને કરવામાં આવતી કવાયત એળે જતી હતી.
સરકારના ધ્યાન પર પણ આ વાત આવી હતી અને તેથી આ વખતે પહેલી વખત એવો ઓર્ડર
આવ્યો છે કે જ્યાં સી.સી.ટી.વી. કેમેરાની સગવડ હોય ત્યાં જ તાલીમ આપવી.
સૂત્રોના કહેવા મુજબ લગભગ ર૦ ટકા જેટલા શિક્ષકો એવા છે કે, જેમને આ
તાલીમમાં બેસવું ગમતું હોતું નથી. એકાદ કલાકનું જો સત્ર હોય તો માંડ ૧૦
મિનિટ બેસે અને પછી આઘાપાછા થઈ જતાં હોય છે. આવા શિક્ષકોને હવે
સી.સી.ટી.વી. કેમેરાને કારણે ફરજિયાત તાલીમમાં બેસવું પડશે અને સરકારનો
ઉદ્દેશ પણ સફળ થશે.
તેમના કહેવા મુજબ ભૂતકાળમાં એવા પણ બનાવો બન્યા છે કે અમુક સી.આર.સી.
પોતાના 'માનીતા' શિક્ષકોને વરદાન આપી દેતા હતા કે તાલીમના સમયગાળા દરમિયાન
તને ક્યાંય હાજરી આપવાની જરૃર નથી. ક્યાંય બહારગામ જવું હોય તો પણ તું જઈ
આવ. પાછળથી આ તાલીમ માટેના રજિસ્ટરમાં હાજરી પૂરી લેવામાં આવતી હતી. હવે
કેમેરાને કારણે આ પ્રથા પણ બંધ થઈ જશે અને તેનો ફટકો પણ સંબંધિત
સી.આર.સી.ને લાગી શકે છે.
http://www.sandesh.com